શ્રીમતી એલ & સી મહેતા આર્ટસ કોલેજમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તથા સેમ-૬ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.
શ્રીમતી એલ & સી મહેતા આર્ટસ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વ્યકિતત્વ ઘડતર કરનારા વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન સતત થતું રહે છે. જે અંતર્ગત તા: ૧૦ માર્ચ ૨૦૨૩ના રોજ વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તથા સેમ-૬ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમના આરંભે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના એડમીનીસ્ટ્રેટીવ ઈન્ચાર્જ ડૉ. બાબુભાઈ પંચાલ સાહેબે સ્વાગત વકતવ્ય દ્વારા સમારોહના મુખ્ય મહેમાન તરીકે પધારેલા સીટી કેમ્પસના કોઓર્ડીનેટર ડૉ. એસ. કે. ત્રિવેદી સાહેબનો સરસ પરિચય આપી તથા તેઓને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી તેઓનું હાર્દિક સ્વાગત કર્યુ હતું.
સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. અપૂર્વ મહેતાએ સમગ્ર વર્ષ દરમિયાન થયેલ વિવિધ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી સૌને માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ સમારોહના મુખ્ય મહેમાન તરીકે પધારેલા સીટી કેમ્પસના કોઓર્ડીનેટર ડૉ. એસ. કે. ત્રિવેદી સાહેબે પોતાના મનનીય અને આત્મીયતાસભર વકતવ્ય દ્વારા સૌ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય ઉન્નતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની પ્રેરણા આપી હતી. વળી તેઓના વરદહસ્તે નિવૃત થઈ રહેલાં અધ્યાપિકા ડૉ. કવિતા આનંદને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ શૈક્ષણિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક, રમતગમત વગેરે ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અંતે રાષ્ટ્રગાન બાદ સૌએ વિદાય લીધી હતી.