preloader

ખેલ મહાકુંભ 2022ની વિવિધ સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા થયા

ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અન્વયે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના યુવાઓમાં શારીરિક સૌષ્ઠવ વિકસાવીને ઉત્તમ રમતવીરો તૈયાર કરવા માટે છેલ્લા એક દશક કરતાં વધારે સમયથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં આશરે ૩૦ જેટલી રમતોનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૨માં શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજમાંથી ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થઈને વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્તમ દેખાવ કર્યો હતો. ૩૨ વિદ્યાર્થીઓ અને ૨૮ વિદ્યાર્થીનીઓએ કબડ્ડી અને ખોખો વગેરે રમત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે તારીખ ૨૩ માર્ચ ૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્પર્ધાઓમાં કોલેજમાં સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતા કુમારી રૂપસિંગે ૮૦૦ મીટર દોડ અને ૧૫૦૦ મીટર દોડ એમ બંને સ્પર્ધાઓમાં સર્વ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે સેમેસ્ટર-૧ માં અભ્યાસ કરતા કિરણ ચૌહાણ ૩૦૦૦ મીટર દોડ અને લાંબી કુદ એમ બંને સ્પર્ધાઓમાં દ્વિતિય સ્થાને રહ્યા હતા.

ત્યાર પછીના તબક્કામાં એસ.આર.પી. ગ્રાઉન્ડ સૈજપુર બોઘા ખાતે યોજાયેલ મધ્ય ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં પણ આ વિજેતા રમતવીરોએ ખૂબ સુંદર દેખાવ કર્યો હતો. જેમાં કુમારી રૂપમસિંગ રાજપૂતે ૮૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડ એમ બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતો ઈતિહાસ રચ્યો હતો. જ્યારે શ્રી કિરણ ચૌહાણે ૩૦૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. વળી શાહપુર માધ્યમિક શાળા, આંબલીની પોળ (યજ્ઞપુરુષ પોળ) ખાતે યોજાયેલ મધ્ય ઝોન કક્ષાએ યોગાસનની સ્પર્ધામાં કુમારી નમ્રતા સોલંકીએ દ્વિતીય સ્થાને વિજેતા પદ પ્રાપ્ત કર્યું હતું. સૌ વિજેતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધકોને શુભેચ્છાઓ અને અભિનંદન!